Full Text
DISCLAIMER The translated
JUDGMENT
/ in his her language and may not be used for any other
. , purpose For all practical and official purposes the English version of the judgment shall be authentic and shall hold the
. field for the purpose of execution and implementation
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
દીવાની અપીલીય હુકુમતક્ષેત્ર
દીવાની અપીલ નં. ૪૨૧/૨૦૨૨
મેસર્સ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ... અપીલકર્તા(ઓ)
વિરુદ્ધ
વી. બી. આર. મેનન અને અન્યો ........ સામાવાળા(ઓ)
સહ
દીવાની અપીલ નં. ૪૯૪/૨૦૨૨
દીવાની અપીલ નં. ૧૬૯૫/૨૦૨૨
દીવાની અપીલ નં. ૨૦૩૯/૨૦૨૨
દીવાની અપીલ નં. ૧૭૫૮/૨૦૨૨
દીવાની અપીલ નં. ૧૯૧૨/૨૦૨૨
ચુકાદો
ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા
ઉપરોક્ત તમામ અપીલોમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ સમાન હોઇ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, સધર્ન ઝોન, ચેન્નાઈ (ટૂંકમાં, 'ચેન્નાઈ સ્થિત
એન.જી.ટી.’) દ્વારા તેમાં એકસાથે સુનાવણી કરી સર્વસામાન્ય ચુકાદા અને
Page No. 1/39
હુકમ અન્વયે ફેંસલ કરવામાં આવેલ, જેને હાલની અપીલ્સ અન્વયે પડકારવામાં
આવેલ છે.
૨. સુવિધા ખાતર, દીવાની અપીલ નં. ૨૦૩૯/૨૦૨૨ ને લીડ મેટર
માનવામાં આવી છે.
૩. હાલની અપીલ, કંપની અધિનિયમ, ૨૦૧૩ અંતર્ગત રચાયેલી રિલાયન્સ
બીપી મોબિલિટી લિમિટેડ નામની ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા દાખલ કરવામાં
આવી છે અને તેમાં તા.૨૩/૧૨/૨૦૨૧ના વાદગ્રસ્ત ચુકાદા અન હુકમને, ખાસકરીને ઓરીજીનલ એપ્લીકેશન નં. ૧૩૮/૨૦૨૨ (એસ.ઝેડ)માં કેન્દ્રીય
પ્રદૂષણ નિયંતણ બોર્ડ (સી.પી.સી.બી.) અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને
નવાં તેમજ હાલમાં કાર્યરત રીટેલ પેટ્રોલિયમ આઉટલેટ્સ માટે કન્સેન્ટ ટુ
એસ્ટાબ્લીશ (સી.ટી.ઇ.) અને કન્સેન્ટ ટુ ઓપરેટ (સી.ટુ.ઓ.) મેળવવાનું
ફરજીયાત કરતાં નિર્દેશો આપતાં વાદગ્રસ્ત હુકમને, પડકારવામાં આવેલ છે.
તથ્યો :
૪. કેસ-રેકોર્ડ પરથી જણાય છે કે, હાલના સામાવાળા નં.૨ શ્રી વી.બી.આર.
મેનન, કે જે ચેન્નાઇના રહેવાસી છે, તેમણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલિયમ
આઉટલેટ્સ પર વેપોર રિકવરી સિસ્ટમ (વી.આર.એસ.) નહિ લગવાતી હોવાનો
મુદ્દો ઉઠાવીને ચેન્નાઈ સ્થિત એનજીટી સમક્ષ ઓરિજિનલ એપ્લિકેશન નં.
Page No. 2/39
૧૩૮/૨૦૨૦ (એસઝેડ) દાખલ કરેલ. ઓરિજીનલ એપ્લીકેશન નં.
૧૩૮/૨૦૨૦માં અરજકર્તા (હાલના સામાવાળા નં.૨)એે નીચે મુજબની રાહત
માંગી હતી: -
"રાહત:
એ. સામાવાળા નં. ૫ થી ૯ વિરુદ્ધ મનાઇહુકમ કરવામાં આવે કે
હાલની અરજીના પડતર રહેવા તેમજ ફેંસલ થવા દરમ્યાન, સ્ટેજ-
૧ અને ૨ ની સારી વર્કિંગ કન્ડીશનવાળી વેપોર રીકવરી સિસ્ટમ
વિના તમિલનાડુમાં કોઇપણ નવા પેટ્રોલિયમ રીટેલ આઉટલેટને
મંજૂરી આપવામાં ન આવે.
બી. કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખતાં, યોગ્ય અને જરૂરી
હોય તેવાં અન્ય હુકમ(મો) કરવામાં આવે.
અરજ
એ. સામાવાળા નં. ૫ થી ૯ વાળી ઓઇલ માર્કેટિંગ કંપનીસને
તમિલનાડુમાં કોઇપણ નવા પેટ્રોલિયમ રીટેલ આઉટલેટ, કે જે
સ્ટેજ-૧ અને ૨નું ટર્નઓવર ધરાવતાં હોય તે, શરૂ કરતાં પહેલાં
તેમાં સારી વર્કિંગ કન્ડીશનવાળી વેપોર રીકવરી સિસ્ટમ
લગાવવાની અને તેને કાર્યરત રાખવાની દોરવણી આપવામાં આવે.
બી. સામાવાળા નં. ૫ થી ૯-ઓઇલ માર્કેટિંગ કંપનીસને
તામિલનાડુના દરેક શહેર, નગર અને ગ્રામ્ય વિસ્તાર માટે, આ
નામદાર ટ્રિબ્યુનલ સૂચિત કરે તે સમયગાળામાં, હાલનાં તમામ
સ્ટેજ-૧ અને ૨ના પેટ્રોલિયમ આઉટલેટ્સમાં વેપોર રિકવરી
સિસ્ટમ લગાવવાં અને તેને કાર્યરત કરવાના નિર્દેશ આપવામાં
આવે.
સી. હાલના કેસના તથ્યો અને સંજોગો ધ્યાનમાં રાખતાં, યોગ્ય અને
જરૂરી જણાય તેવાં અન્ય હુકમ(મો) આપીને ન્યાય કરવા મે.
કરશો."
૫. એન.જી.ટી.ની પ્રિન્સીપાલ બેન્ચે ઓરિજીનલ એપ્લીકેશન
નં.૧૪૭/૨૦૧૬માં દીલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એન.સી.આર)માં સ્થિત
તમામ પેટ્રોલ પંપો, વિતરણ કેન્દ્રો, ટર્મિનલ્સ, રેલ્વે લોડિંગ/અનલોડિંગમથકો
Page No. 3/39
અને હવાઇમથકોએ સ્ટેજ-૧ અને ૨ વાળી વેપોર રિકવરી સિસ્ટમ
(વી.આર.ડી.) લગાવવાનો નિર્દેશ આપતો હુકમ પસાર કરેલ, જેના આધારે
હાલના કેસમાં ચેન્નાઇ સ્થિત એન.જી.ટી. સમક્ષ મૂળ અરજી કરવામાં આવેલ.
ઓ.એ.નં.૧૪૭/૨૦૧૬માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પ્રિન્સિપલ બેન્ચના
તા.૨૮/૦૯/૨૦૧૮ના રોજના હુકમ અન્વયે વીઆરડી લગાવવાની
સમયમર્યાદા લંબાવવામાં આવી હતી.
૬. ચેન્નાઇ સ્થિત એન.જી.ટી.એ તા.૨૩/૧૨/૨૦૨૧ના રોજના હુકમ અન્વયે
નીચે મુજબની દોરવણીઓ આપી, ઓ.એ.નં. ૧૩૮/૨૦૨૦ (એસ.ઝેડ) ફેંસલ
કરેલ. -
"૬૯. પરિણામે, આ અરજીનો નિકાલ નીચે મુજબ કરવામાં આવે છેઃ
-
. i અમે સ્પષ્ટતા કરી હતી કે, ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં
શહેરોમાં સ્થિત તમામ રિટેલ પેટ્રોલિયમ આઉટલેટ્સ, કે જેનું
ટર્નઓવર ૩૦૦ કે.એલ. પ્રતિ માસ થી વધુ હોય તેમણે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની સલાહ મુજબ કેન્દ્રીય
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તા.૧૨/૧૨/૨૦૧૬ના રોજના
પરિપત્રમાં જણાવ્યા મુજબની વી.આર.એસ. મિકેનિઝમ
લગાવેલ હોવી જોઈએ. જો કોઇપણ રીટેલ પેટ્રોલિયમ આઉટલેટ
સી.પી.સી.બી. દ્વારા નિર્ધારિત કે નામદાર સર્વોચ્ચ ન્યાયાલય
દ્વારા લંબાવવામાં આવેલ સમયમર્યાદામાં આવું ન કરે, તો
સી.પી.સી.બી.ને દોરવણી આપવામાં આવે છે કે, જે
પેટ્રોલિયમ આઉટલેટ/ સ્ટોરેજ ડેપોએ તેનું અનુપાલન નથી
કર્યું, તેમનાં પર નવી દીલ્હી સ્થિત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની
પ્રીન્સીપલ બેન્ચે ઓ.એ.એ. નં. ૧૪૭/૨૦૧૬ (આદિત્ય
એન. પ્રસાદ અને અન્યો વિ. ભારત સરકાર અને અન્યો)માં
આપેલ દોરવણી મુજબનું એન્વાયરમેન્ટલ કમ્પેન્શેશન લાગૂ
પાડવામાં આવે.
Page No. 4/39
. ii જ્યાં સુધી જાહેરક્ષેત્ર તેમજ ખાનગી ક્ષેત્રના સાહસોના સ્ટેજ-૧
અને સ્ટેજ-૨ (૧૦૦ કે.એલ./માસ થી ૩૦૦ કે.એલ./માસ)
ના નવાં પેટ્રોલિયમ આઉટલેટ્સ અને સ્ટેજ-૧એ (સ્ટોરેજ
ડેપો)ને લાગેવળગે છે, તેમણે સી.પી.સી.બી. દ્વારા નિર્ધારિત
લંબાવેલ સમયમર્યાદામાં ઉક્ત સિસ્ટમ લગાવવાની રહેશે. અને
જો તેમાં કોઇ ઉલ્લંઘન જણાય તો, આવાં ઉલ્લંઘન સબબ નવી
દીલ્હી સ્થિત નેશનલ ગ્રિન ટ્રીબ્યુનલની પ્રિન્સીપલ બેન્ચે
ઓ.એ. નં. ૧૪૭/૨૦૧૬ (આદિત્ય એન. પ્રસાદ અને અન્યો
વિ. ભારત સરકાર અને અન્યો)માં આપેલ દોરવણી મુજબના
પગલાં લેવાં નિર્દેશ આપવામાં આવે છે.
. iii કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ
બોર્ડને નિર્દેશ આપવામાં આવે છે કે, કેરળના રાજ્ય પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડની જેમ, તેઓ ભવિષ્યમાં રાજ્યમાં નવા
સ્થપાનાર તેમજ સ્થાપના માટે તૈયાર હોય પણ બાંધકાર શરૂ ન
થયું હોય તેવાં નવાં પેટ્રોલિયમ આઉટલેટ્સ માટે એન્વાયરમેન્ટ
(પ્રોટેક્શન) એક્ટ, ૧૯૮૬ની કલમ-૫, વોટર (પ્રીવેન્શન
એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટ, ૧૯૭૪ની કલમ-૧૮
અને એર (પ્રીવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટ, ૧૯૮૧ હેઠળ કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ અને કન્સન્ટ ટુ ઓપરેટ
મેળવવું ફરજીયાત કરતો નિર્દેશ આપે અને આવો નિર્દેશ ૩
(ત્રણ) માસમાં અપાઇ જવો જોઇએ અને ત્યાં સુધી, તમામ
નવાં રીટેલ પેટ્રોલિયમ આઉટલેટ્સને તેમની સંબંધિત કંપની
સમક્ષ કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ અને કન્સન્ટ ટુ ઓપરેટ માટે
અરજી કરવા નિર્દેશ આપવામાં આવે છે.
. iv અમે હાલમાં કાર્યરત તમામ રીટેલ પેટ્રોલિયમ આઉટલેટ્સને, તેમનું ટર્નઓવર ધ્યાને લીધાં સિવાય, ૬ (છ) માસમાં કન્સેન્ટ
ટુ ઓપરેટ મેળવવા નિર્દેષ આપીએ છીએ. જો તે મેળવવામાં ન
આવે, તો અમે સંબંધિત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આવાં
પેટ્રોલ પંપ્સ સામે કાયદા મુજબના યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ
આપીએ છીએ.
. v સંજોગોને ધ્યાનમાં રાખતાં, અરજીમાં પક્ષકારોને પોતપોતાનો
ખર્ચ ભોગવવાનો નિર્દશ આપવામાં આવે છે.
Page No. 5/39
. vi રજિસ્ટ્રીને નિર્દેશ આપવામાં આવે છે કે, આ હુકમના
અનુપાલન સબબ, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન
મંત્રાલય (એમ.ઓ.ઈ.એફ. એન્ડ સી.સી.), નવી દીલ્હી
સ્થિત કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, બેંગ્લોર અને ચેન્નાઇની
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સંકલિત પ્રાદેશિક કચેરી, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકના રાજ્ય
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની
પ્રદૂષણ નિયંત્રણ સમિતિને તેની જાણ કરવામાં આવે."
૭. ચેન્નાઇ સ્થિત એન.જી.ટીના ઉપરોક્ત નિર્દેશોથી અસંતુષ્ટ હોઇ, અપીલકર્તા આ ન્યાયાલય સમક્ષ આવ્યા છે.
૮. એન.જી.ટી.ના આ હુકમને (૧) મેસર્સ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ., (૨) મેસર્સ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., (૩) મેસર્સ ભારત
પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., (૪) મેસર્સ નાયરા એનર્જી લિ., અને (૫) મેસર્સ
શેલ ઇન્ડિયા માર્કેટ્સ પ્રાઇવેટ લિ નામની અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ
(ઓ.એમ.સી.)એ પણ આ ન્યાયાલયમાં પડકાર્યો છે.
અરજદાર વતી રજૂઆતોઃ
૯. સૌપ્રથમ, હાલના અપીલકર્તા વતી હાજર વિદ્વાન કાઉન્સેલે રજૂઆત કરી
કે, તેઓ વાદગ્રસ્ત હુકમના, પરિચ્છેદ-૬૯( ) i અને ૬૯( ) ii માં સમાવિષ્ટ, વી.આર.એસ./વી.આર.ડી. લગાવવા સબબના નિર્દેશોને પડકારવા માંગતા
નથી. વિદ્વાન કાઉન્સેલ પોતાનો વાદ ઉપરોક્ત સંદર્ભિત કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ
Page No. 6/39
(સીટીઇ) અને કન્સેન્ટ ટુ ઓપરેટ (સીટીઓ) સબબના પરિચ્છેદ-૬૯( ) iii
અને ૬૯( ) iv પૂરતો મર્યાદિત રાખવાનું પસંદ કરે છે.
૧૦. વિદ્વાન કાઉન્સેલે રજૂઆત કરી કે હાલની અપીલ કાયદાના ત્રણ
મહત્વપૂર્ણ પ્રશ્નો પેદા કરે છે, જે નીચે મુજબ છેઃ -
એ. શું એનજીટી વૈધાનિક કાર્યો સ્વરૂપના ન હોય તેવાં નિર્દેશો આપી શકે છે?
બી. શું જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રની ઓએમસી અને/અથવા આરઓ
(રિટેલ આઉટલેટ) એ કાર્યરત થવાં, સ્થાપના કરવાં અને કામકાજ ચાલુ
રાખવા માટે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ અને/અથવા કન્સેન્ટ ટુ ઓપરેટ
મેળવવી જરૂરી છે?
સી. શું એનજીટી સી.પી.સી.બી. દ્વારા બહાર પાડવામાં આવેલી હાલની
માર્ગદર્શિકાઓના અનુપાલન સબબની દેખરેખ માટેની નિયમન-
વ્યવસ્થાપ્રણાલી આપવા માત્ર થઇને એક વધારાની મંજૂરી મેળવવાની
જરૂરિયાત લાદી શકે કે કેમ?
૧૧. વિદ્વાન કાઉન્સેલે રજૂઆત કરી કે, વાદગ્રસ્ત હુકમના પરિચ્છેદ-૬૯( ) iii
અને ૬૯( ) iv માં આપવામાં આવેલાં નિર્દેશો ધારાકીય સ્વરૂપના હોઇ, તે
એનજીટીના અધિકારક્ષેત્રની બહારના છે. તેમણે રજૂઆત કરી કે ચેન્નાઇ સ્થિત
એન.જી.ટી.ના સી.ટી.ઇ. અને સી.ટી.ઓ. મેળવવાનું ફરજીયાત કરવાના
Page No. 7/39
સી.પી.સી.બી.ને આપેલાં નિર્દેશો ન્યાયિક હુકમના ઓઠાં તળે નવો જ કાયદો
બનાવવામાં પરિણમશે. વધુમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરઓ
માટે સીટીઈ અને/અથવા સીટીઓ મેળવવી ફરજિયાત બનાવવાના નિર્દેશો
આપવા માટેનો કોઈ તાર્કિક આધાર નથી. વિદ્વાન કાઉન્સેલના જણાવ્યા
અનુસાર, એન.જી.ટી.એ આ પ્રકારનાં નિર્દેશો આપવા માટેનો એકમાત્ર આધાર
યોગ્ય નિયમનકારી વ્યવસ્થાતંત્ર અને/અથવા વીઆરએસ ઇત્યાદીનાં
ઇન્સ્ટોલેશન સંબંધિત સી.પી.સી.બી. દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાઓનું
અનુપાલન સુનિશ્ચિત કરવાનો છે. એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, સીપીસીબી દ્વારા જે હેતુઓ સાથે ઉદ્યોગોનું ફેરવર્ગીકરણ કરવામાં આવ્યું છે, તેની
સામે આ વાદગ્રસ્ત નિર્દેશો પ્રત્યક્ષપણે વિરોધાભાસી છે. તે તરફ ધ્યાન દોરવામાં
આવ્યું કે, પેટ્રોલિયમ રીટેલ આઉટલેટ 'ગ્રીન ઝોન'માં આવે છે અને ગ્રિન ઝોનમાં
આવતાં ઉદ્યોગો માટે સીટીઓ અને/અથવા સીટીઇ મેળવવી ફરજીયાત નથી.
વધુમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, આર.ઓ. (રીટેલ આઉટલેટ)
સ્થાપવાની પ્રક્રિયામાં સંખ્યાબંધ મંજૂરીઓની જરૂર પડે છે અને તેમાં ઘણો સમય
લાગે છે. ઉદાહરણ તરીકે, આર.ઓ.નું બાંધકામ શરૂ કરતાં પહેલાં, ઓ.એમ.સી.
(ઓઇલ માર્કેટિંગ કંપની)એ, અન્ય બાબતોની સાથે સાથે, (૧) પેટ્રોલિયમ
અને વિસ્ફોટક સુરક્ષા સંગઠન (પીઇએસઓ), (૨) ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ
ઓફિસર્સ, (૩) નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, (૪)
જિલ્લા/ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર/રિજનલ ફોરેસ્ટ ઓફિસર, (૫) રાજ્ય
Page No. 8/39
મંત્રીમંડળ વગેરે પાસેથી મંજૂરીઓ મેળવવાની રહે છે. વધુમાં ઓ.એમ.સી.એ
સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી 'ન-વાંધા પ્રમાણપત્ર' પણ મેળવવાનું રહે છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી મેળવવાની રહેતી આવી એન.ઓ.સી.માં વિવિધ
સત્તામંડળો જેવાં કે, ફાયર વિભાગ, પોલીસ વિભાગ, પી.ડબલ્યુ.ડી., આરોગ્ય
અને સલામતી, સંબંધિત મહાનગરપાલિકા અને/અથવા અન્ય કોઈ સત્તામંડળ
કે જે જિલ્લા મેજિસ્ટ્રેટને જરૂરી લાગે, તેની મંજૂરીઓનો સમાવેશ થાય છે.
ત્યારબાદ આર.ઓ. (રિટેલ આઉટલેટ)નું બાંધકામ થયા થયા પછી, ઓએમસીએ, અન્ય બાબતોની સાથે-સાથે, પી.ઇ.એસ.ઓ., નેશનલ હાઇવે
ઓથોરિટી ઓફ ઇન્ડિયા, લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, શ્રમ વિભાગ અને
સંબંધિત મ્યુનિસિપાલિટી પાસેથી આખરી મંજૂરી મેળવવાની રહે છે. ઉપરોક્ત
માંની કેટલીક મંજૂરીઓ મેળવવામાં ૧૨૦ થી ૨૪૦ દિવસથી વધુનો સમય લાગે
છે. વિદ્વાન કાઉન્સેલના જણાવ્યા મુજબ, આવા સંજોગોમાં, સીટીઓ અને
સીટીઇ મેળવવાનું ફરજિયાત કરવાથી આર.ઓ. સ્થાપવામાં/ચલાવવામાં ઘણી
મુશ્કેલીઓ ઊભી થશે અને આર.ઓ. સ્થાપવામાં વિલંબ પણ થશે.
૧૨. વિદ્વાન કાઉન્સેલે એ તથ્ય પર ખૂબ ભાર મૂક્યો કે, 'જ્ઞાનપ્રકાશ @ પપ્પુ
સિંહ વિ. ભારત સરકાર અને અન્યો'નાં મથાળાં હેઠળની
ઓ.એ.નં.૮૬/૨૦૧૯માં એન.જી.ટી.ના તા.૧૮/૦૧/૨૦૧૯ના રોજના
હુકમનું પાલન કરતાં, સી.પી.સી.બી.એ તેનાં તા.૦૭/૦૧/૨૦૨૦ના રોજ
Page No. 9/39
ઓફિસ મેમોરેન્ડમથી, નવાં પેટ્રોલ પંપની સ્થાપવા સબબની માર્ગદર્શિકા બહાર
પાડેલ. માર્ગદર્શિકાઓ ખૂબ જ વ્યાપક છે અને એન.જી.ટી.ના વાદગ્રસ્ત હુકમમાં
વ્યક્ત કરેલી આશંકાઓને તે આવરી લે છે. એકવાર આ માર્ગદર્શિકાઓનું
ખંતપૂર્વક પાલન કરવામાં આવે, તો ત્યારપછી સી.ટી.ઓ. અને/અથવા
સી.ટી.ઇ. મેળવવાની જરૂર રહેતી નથી.
૧૩. ઉપરોક્ત ઉલ્લેખિત સંજોગોમાં, અપીલકર્તા તરફે વિદ્વાન કાઉન્સેલે અરજ
કરી કે, તેમની અપીલમાં મેરીટ હોઇ, તે મંજૂર કરવામાં આવે અને ચેન્નાઇ સ્થિત
એન.જી.ટી. દ્વારા પસાર કરવામાં આવેલા વાદગ્રસ્ત હુકમના પરિચ્છેદ-૬૯( ) iii
અને પરિચ્છેદ-૬૯( ) iv માં આપવામાં આવેલા નિર્દેશો રદ કરવામાં આવે.
સામાવાળા નં. ૨ - એન.જી.ટી. સમક્ષના મૂળ અરજદાર તરફે રજૂઆતોઃ
૧૪. સામાવાળા નં.૨(મૂળ અરજદાર) તરફે હાજર વિદ્વાન કાઉન્સેલે ભારપૂર્વક
દલીલ કરી કે, એનજીટીએ વાદગ્રસ્ત નિર્દેશો આપવામાં કોઈ ભૂલ, ખાસ કરીને
કાયદા બાબતની કોઇ ભૂલ, કરી હોવાનું કહી શકાય નહિ. એવી રજૂઆત
કરવામાં આવી હતી કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ, ૨૦૧૦ (ટૂંકમાં, ‘એનજીટી એક્ટ’)ની કલમ-૨૨ હેઠળ દાખલ કરવામાં આવેલી અપીલમાં આ
કોર્ટની કોઈ દખલગીરીની જરૂર નહોતી. વિદ્વાન કાઉન્સેલના જણાવ્યા અનુસાર, એનજીટી એક્ટની કલમ-૨૨ હેઠળ દાખલ કરવામાં આવેલ કોઇ અપીલ
Page No. 10/39
'કાયદાના મહત્વપૂર્ણ પ્રશ્નો' પૂરતી મર્યાદિત હોય છે. હાલની અપીલમાં કાયદાનો
કોઈ મહત્વપૂર્ણ પ્રશ્ન સામેલ નથી. ઉપરોક્ત ઉલ્લેખિત સંજોગોમાં, વિદ્વાન
કાઉન્સેલે અરજ કરી કે હાલની અપીલમાં કોઈ મેરીટ ન હોઇ, તે રદ કરવી
જોઇએ.
સામાવાળા નં. ૧-સીપીસીબી તરફે રજૂઆતોઃ
૧૫. વિદ્વાન સોલિસીટર જનરલ શ્રી તુષાર મહેતાએ રજૂઆત કરી કે, એન.જી.ટી.ને પરિચ્છેદ-૬૯( ) iii અને પરિચ્છેદ-૬૯( ) iv વાળા, ખાસકરીને
તા.૦૭/૦૧/૨૦૨૦ના રોજના ઓફીસ મેમોરેન્ડમ અન્વયે સી.પી.સી.બી.એ
બહાર પાડેલ માર્ગદર્શિકાઓ સબબના, વાદગ્રસ્ત નિર્દેશો આપવાની જરૂર
નહોતી. શ્રી મહેતાના જણાવ્યા અનુસાર, જ્યારે હાલમાં કાર્યરત તેમજ
ભવિષ્યમાં શરૂ થનાર આર.ઓ.ને સી.પી.સી.બી. દ્વારા આપવામાં આવેલ
માર્ગદર્શિકાઓનું અનુપાલન કરવા બાધ્ય કરી શકાય છે, ત્યારે તેમને સી.ટી.ઇ.
અને/અથવા સી.ટી.ઓ. મેળવવાનું કહીને શું હાંસલ કરવા માંગીએ છીએ?
સી.પી.સી.બી.એ તે સુનિશ્ચિત કર્યું છે કે તેણે આપેલ માર્ગદર્શિકાઓનું સમગ્ર
દેશમાંના આર.ઓ. ખંતપૂર્વક પાલન કરે તે સુનિશ્ચિત કરવા તમામ રાજ્યોના
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ખૂબ સજાગ રહે. શ્રી મહેતાના જણાવ્યા અનુસાર, હાલના
તમામ આર.ઓ.(રીટેલ આઉટલેટ)ને સી.ટી.ઓ. મેળવવા માટે કહેવું પણ ખૂબ
Page No. 11/39
જ ગેરવાજબી છે. શ્રી મહેતાના જણાવ્યા અનુસાર, આ કામ ઘણું પેપર-વર્ક
માંગી લે છે અને તેમાં ઘણો સમય લાગશે.
૧૬. શ્રી મહેતાએ રજૂઆત કરી કે, એન.જી.ટી. ધી એન્વાયરમેન્ટ (પ્રોટેક્શન)
એક્ટ, ૧૯૮૬ (ટૂંકમાં, '૧૯૮૬નો અધિનિયમ')ની કલમ-૫ હેઠળની
સત્તાઓનો ઉપયોગ કરી સી.પી.સી.બી.ને, સી.ટી.ઇ. અને/ અથવા સી.ટી.ઓ.
મેળવવાનું ફરજીયાત કરવાનો, નિર્દેશ આપી શકે કે કેમ તે ચર્ચાનો વિષય છે.
૧૭. આખરમાં, શ્રી મહેતાએ રજૂઆત કરી કે, જ્યાં સુધી પરિચ્છેદ-૬૯( ) i
અને ૬૯( ) ii માં સમાવિષ્ટ નિર્દેશોને લાગેવળગે છે, તેનું તેના સાચા
પરિપ્રેક્ષ્યમાં અનુપાલન થવું રહ્યું અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે તેનું સંપૂર્ણ
અનુપાલન સુનિશ્ચિત કરવું રહ્યું. તેમણે રજૂઆત કરી કે, સી.પી.સી.બી. એ
બાબત પણ સુનિશ્ચિત કરશે કે, તમામ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઉપરોક્ત
ઉલ્લેખિત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે અને જો કોઈ રીટેલ આઉટલેટના
પક્ષે કોઈ ખામી જણાય, તો તેની સામે કાયદેસર પગલાં લેવામાં આવે.
૧૮. ઉપરોક્ત સંદર્ભિત આવાં સંજોગોમાં, શ્રી મેહતાએ અરજ કરી કે પરિચ્છેદ-
૬૯( ) iii અને ૬૯( ) iv માં આપેલા નિર્દેશોને રદ કરવા કે તેને યોગ્ય સુધારો કરી
શકાય.
Page No. 12/39
વિશ્લેષણઃ
૧૯. પક્ષકારો તરફે હાજર વિદ્વાન કાઉન્સેલને સાંભળ્યા પછી અને રેકોર્ડ પરની
સામગ્રીનું અધ્યયન કર્યા પછી, એકમાત્ર પ્રશ્ન જે અમારે ધ્યાને લેવાનો છે, તે:( ) i
શું તે એનજીટીના હુકુ મતક્ષેત્રમાં છે કે તે સી.પી.સી.બી.ને તે નિર્દેશ આપે કે, સી.પી.સી.બી. ૧૯૮૬ના અધિનિયમની કલમ-૫ની હેઠળની સત્તાઓનો
ઉપયોગ કરી, દેશભરના તમામ પેટ્રોલિયમ રિટેલ આઉટલેટ્સ માટે સી.ટી.ઈ.
અને સી.ટી.ઓ. મેળવવાનું ફરજિયાત બનાવે?
૨૦. આ અદાલતે હાલની અપીલની એક સંલગ્ન અપીલ, એટલે કે સિવિલ
અપીલ નં. ૪૯૪/૨૦૨૨,માં તા.૦૭/૦૨/૨૦૨૨ના હુકમ અન્વયે નોટીસ
ઇશ્યુ કરતાં સમયે અવલોકન કરવામાં આવ્યું હતું કે: -
"છ અઠવાડિયામાં બજવણી થઇ પરત આવે તે મુજબ નોટિસ ઇશ્યૂ
કરવી.
આ દરમ્યાન, યાચિકાકર્તા વેપોર રિકવરી ડિવાઇસીસ
(વી.આર.ડી.)નું ઇન્સ્ટોલેશન પૂરુ
ં કરવા માટેની નવી સમયમર્યાદા
સૂચવતાં કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સી.પી.સી.બી.) દ્વારા
આપવામાં આવેલ તા.૦૪/૦૬/૨૦૨૧ના નિર્દેશોનું અનુપાલન કરે
તે શરતે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા.૨૩/૧૨/૨૦૨૧ના રોજના
હુકમ અન્વયે આપવામાં આવેલ નિર્દેશો મોકૂફ રહેશે.
અપીલકર્તા તરફે હાજર વિદ્વાન કાઉન્સેલ શ્રી સંજય કપૂરે જણાવ્યું કે, સી.પી.સી.બી.ના ઉક્ત તા.૦૪/૦૬/૨૦૨૧ના નિર્દેશો મુજબના
વેપોર રિકવરી ડિવાઇસીસ, તેમાં સૂચવેલ શ્રેણીના ૫૦ ટકા રિટેલ
આઉટલેટ્સમાં, ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં લગાવવામાં આવી ચૂક્યા છે
અને બાકીના આઉટલેટ્સમાં પણ નિયત સમયમર્યાદામાં તેમ કરી
લેવામાં આવશે."
Page No. 13/39
૨૧. હાલના કેસમાં સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપની વતી હાજર તમામ વિદ્વાન
કાઉન્સેલ્સની મુખ્ય દલીલ વાદગ્રસ્ત નિર્દેશો આપવાના એન.જી.ટી.ના
હુકુમતક્ષેત્ર સબબ હોઇ, સૌપ્રથમ, એન.જી.ટી. અધિનિયમના સમગ્ર બંધારણને
સમજવું જરૂરી છે.
એન.જી.ટી. અધિનિયમ, ૨૦૧૦ નું બંધારણ :
૨૨. એનજીટી અધિનિયમની પ્રસ્તાવના નીચે મુજબ વંચાય છેઃ -
"પર્યાવરણીય સંરક્ષણ, અને કોઇ કાનૂની અધિકારના પ્રવર્તન અને
વ્યક્તિઓ અને સંપત્તિને થયેલ નુકશાનીમાં રાહત અને વળતર
આપવા અંગેના મામલાઓ સહિત, જંગલોના તેમજ અન્ય પ્રાકૃ તિક
સંસાધનો સાથે સંબંધિત મામલાઓની અસરકારક અને ઝડપી
પતાવટ માટે રાષ્ટ્રીય હરિત અધિકરણની સ્થાપના અને તેનાં સંબંધિત
કે આનુસંગિક વિષયો સબબ જોગવાઇઓ કરતો અધિનિયમ.
અને જ્યારે, જૂન, ૧૯૯૨માં સ્ટોકહોમ ખાતે યોજાયેલ માનવ
પર્યાવરણ પરની સંયુક્ત રાષ્ટ્રોની પરિષદમાં ભારતે ભાગ લીધો હોઇ, તેમાં લેવાયેલ નિર્ણયમાં ભારત પણ એક પક્ષકાર છે, ફરિયાદોના
નિવારણ અને સમાધાન સહિત ન્યાયિક અને વહીવટી કાર્યવાહીઓ
સુગમ્ય બનાવવા અને પ્રદૂષણ તેમજ અન્ય પર્યાવરણીય હાનિના
પીડિતોને વળતર આપવા અને તેની જવાબદારી સબબ રાષ્ટ્રીય
કાયદાઓ ઘડવા રાષ્ટ્રોને આહ્વાન કરવામાં આવ્યું છે;
અને જ્યારે કે, ભારતની ન્યાયપાલિકા દ્વારા આપવામાં આવેલ
ચુકાદામાં સ્વસ્થ પર્યાવરણનો અધિકાર એ બંધારણના અનુચ્છેદ-
૨૧ હેઠળના જીવનના અધિકારના અર્થમાં સમાવવામાં આવ્યો છેે.
અને જ્યારે કે, ઉપરોક્ત પરિષદમાં લેવાયેલ નિર્ણયોનો અમલ કરવાં
તેમજ પર્યાવરણ સાથે સંબંધિત બહુઆયામી મુદ્દાઓ સમાયેેલ
Page No. 14/39
હોવાની દ્રષ્ટીએ, રાષ્ટ્રીય હરિત અધિકરણનું હોવું ઇચ્છનીય માનવામાં
આવે છે."
૨૩. એનજીટીનું હુકુમતક્ષેત્ર અને સત્તાઓ કલમ-૧૪ થી ૨૦માં જોવા મળે છે.
આ જોગવાઈઓ પર બારીક નજર કરવાથી જણાય છે કે, એનજીટી પાસે, મૂળ
તેમજ અપીલીય હુકુ મતક્ષેત્ર, બંને છે. એનજીટીની સત્તાઓની શ્રેણીમાં નીચેની
બાબતોનો સમાવેશ થાય છેઃ -
( ) i પર્યાવરણ સંબંધિત નોંધપાત્ર મુદ્દો ધરાવતાં દીવાની કેસોમાં કામ
ચલાવવાની સત્તા (કલમ-૧૪(૧))
( ) ii પ્રદૂષણનો ભોગ બનેલાઓને રાહત અને વળતર આપવાની સત્તા
(કલમ-૧૫ (૧)(એ))
( ) iii નુકસાન પામેલી મિલકત અથવા પર્યાવરણનાં પુનઃસ્થાપનનો આદેશ
આપવાની સત્તા (કલમ-૧૫(૧)(બી)).
૨૪. જો એનજીટીના એવોર્ડ કે હુકમનું પાલન ન થાય, તો જે વ્યક્તિની
તરફેણમાં એનજીટીએ એવોર્ડ અથવા હુકમ આપ્યો છે, તે બે પ્રકારના ઉપચારનો
હકદાર છે. પહેલો અધિકાર એ છે કે, કલમ-૨૫ હેઠળ એવોર્ડની અમલવારીની
માંગ કરે અને બીજો અધિકાર એ છે કે, કલમ-૨૬ હેઠળ દોષિતો સામે ફોજદારી
અદાલતમાં કામ ચલાવવાની માંગ કરે.
Page No. 15/39
૨૫. કલમ-૨૯ હેઠળ દીવાની અદાલતોના હુકુમતક્ષેત્રને બાધ કરવા ઉપરાંત, કલમ-૩૩ હેઠળ, એન.જી.ટી. એક્ટ કોઇપણ કાયદાથી અધિભાવી અસર ધરાવે
છે, જે નીચે મુજબ વંચાણે છે:
"કલમ- ૩૩"અધિભાવી અસર ધરાવતો કાયદો:-
સંબંધિત સમયે અમલમાં હોય તેવા કાયદામાં અથવા આ અધિનિયમ
સિવાયના કોઇપણ કાયદાની રૂએ અસરમાં હોય તેવાં કોઇ ખતમાં ગમે
તે વિસંગત હોય, આ અધિનિયમની જોગવાઇઓની અધિભાવી અસર
રહેશે."
૨૬. એન.જી.ટી. અધિનિયમની કલમ-૩૮ની પેટા-કલમ-(૧) નીચેના
કાયદાઓ રદ કરે છે: -
( ) i રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલ અધિનિયમ, ૧૯૯૫
( ) ii રાષ્ટ્રીય પર્યાવરણ અપીલીય સત્તામંડળ અધિનિયમ, ૧૯૯૭
૨૭. કલમ-૩૮ની પેટા-કલમ (૧) હેઠળ ઉપરોક્ત બે કાયદાઓને રદ કરવા
ઉપરાંત, એન.જી.ટી. અધિનિયમમાં 'ગર્ભિતપણે રદ કરવા સાથે સંબંધિત’
કલમ-૩૮ની પેટા-કલમ-(૮)ની જોગવાઈ પણ સામેલ છે. કલમ-૩૮ની
પેટા-કલમ (૮) નીચે મુજબ વંચાણે છેઃ -
"(૮) રદ કરવાની અસર સંબંધે, પેટા-કલમો (૨) થી (૭) માં
સંદર્ભિત ચોક્કસ બાબતોનો ઉલ્લેખ, જનરલ ક્લોઝીસ એક્ટ, ૧૮૯૭
(૧૮૯૭નો ૧૦)ની કલમ-૬ને સર્વસામાન્યપણે લાગૂ કરવા બાબતે
અસરકર્તા ગણાશે નહિ."
Page No. 16/39
૨૮. જ્યાં સુધી એન.જી.ટી.ના હુકમોના અમલીકરણનો સવાલ છે, કલમ-૨૫
નીચે દર્શાવ્યા મુજબની બે પ્રકારની સત્તા આપે છેઃ -
(એ) દીવાની અદાલતના હુકમનામાંની માફક એવોર્ડનો અમલ કરાવવાની
(એન.જી.ટી.ની) પોતાની સત્તા
(બી) એવોર્ડના અમલીકરણ માટે તેને દીવાની અદાલતને મોકલી આપવાની
સત્તા.
૨૯. અગાઉ જણાવ્યું તેમ, કલમ-૨૬ હેઠળ, એન.જી.ટી.ના ચુકાદાનું પાલન
કરવામાં નિષ્ફળ રહેનાર કોઇપણ વ્યક્તિ માટે સજાની જોગવાઈ કરવામાં આવી
છે, જે ત્રણ વર્ષ સુધીની સજા અથવા રુપિયા દસ કરોડ સુધીનો દંડ અથવા બંને
હોઇ શકે છે. કલમ-૨૭ દરેક કંપની તેમજ કંપનીના કામકાજોનો સીધો હવાલો
સંભાળનાર પ્રત્યેક ઇસમને તેની સામે કાનૂની કામ ચલાવવા માટે જવાબદાર
બનાવે છે. કલમ-૨૮ સરકારી વિભાગોને પણ તેમની સામે કાનૂની કામ
ચલાવવા અને સજા માટે જવાબદાર બનાવે છે. લોસ ઓફ ઇકોલોજી ઓથોરિટી
પાસે આવી સત્તાઓ નથી.
૩૦. કલમ-૨૬ની પેટા-કલમ (૨) એન.જી.ટી. અધિનિયમ હેઠળ ગુનાઓને
સંજ્ઞેય બનાવે છે. તેમ છતાં, કલમ-૩૦(૧)(બી) કોઈ પણ વ્યક્તિ, કે જેણે
કથિત ગુના અંગે, નિયત પદ્ધતિએ, ૬૦ દીવસથી ઓછી ન હોય તેવી નોટિસ
Page No. 17/39
આપી હોય અને કેસ ચલાવવાનો ઇરાદો ધરાવતી હોય તેને સક્ષમ અદાલત
સમક્ષ ફરિયાદ દાખલ કરવા માટે હકદાર બનાવે છે. રસપ્રદ બાબત એ છે કે, કલમ-૩૦(૧)(બી) માં ‘વ્યથિત વ્યક્તિ’ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં
આવ્યો નથી. તેમાં માત્ર ‘કોઈપણ વ્યક્તિ’ અભિવ્યક્તિનો ઉપયોગ કરવામાં
આવ્યો છે.
૩૧. આખરે, ૨૦૦૩માં રજૂ કરાયેલ ૧૮૬મા કાયદા પંચના અહેવાલે
'એન.જી.ટી. અધિનિયમ' ઘડવાનો માર્ગ મોકળો કર્યો હતો, જે એન.જી.ટી.
અધિનિયમના હેતુઓ અને કારણોના પત્રક (સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ એન્ડ
રીઝન્સ)ના સંબંધિત ભાગમાં જોઈ શકાય છે, જે નીચે મુજબ વંચાણે છેઃ -
"૪. કોઈ પણ જોખમી પદાર્થને સંભાળતી વખતે થતાં કોઈ
અકસ્માતને કારણે થતી નુકશાની સબબ સ્ટ્રિક્ટ લાયાબિલિટી અંગે
જોગવાઇ કરવાં અને આ પ્રકારની દુર્ઘટનાને કારણે થતાં કેસોના
અસરકારક અને ઝડપી નિકાલ માટેની રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રિબ્યુનલની
સ્થાપના કરવા માટે રાષ્ટ્રીય પર્યાવરણ અધિકરણ અધિનિયમ, ૧૯૯૫નો અમલ કરવામાં આવ્યો હતો, જેથી વ્યક્તિઓ, મિલકત
અને પર્યાવરણને થતાં નુકસાનમાં રાહત અને વળતર આપી શકાય.
જોકે, રાષ્ટ્રીય પર્યાવરણ અધિકરણની સત્તાઓ ખૂબ મર્યાદિત હોઇ, તેની સ્થાપના થઈ શકી નહોતી. જે ક્ષેત્રોમાં અથવા શ્રેણીઓનાં
ઉદ્યોગો, કામગીરીઓ અથવા પ્રક્રિયાઓ હાથ ધરવાનો નિષેધ છે
અથવા ધી એન્વાયરમેન્ટ (પ્રોટેક્શન) એક્ટ, ૧૯૮૬ હેઠળના
સંરક્ષણોને આધિન છે, તેવાં મામલાઓની સુનવાણી માટેની રાષ્ટ્રીય
પર્યાવરણ અપીલીય સત્તામંડળની સ્થાપના કરવા રાષ્ટ્રીય પર્યાવરણ
અપીલીય સત્તામંડળ અધિનિયમ, ૧૯૯૭નો અમલ કરવામાં આવ્યો
હતો. રાષ્ટ્રીય પર્યાવરણ અપીલીય સત્તામંડળનું હુકુમતક્ષેત્ર સંકુચિત
હોવાનાં કારણે તેમાં કામનું ભારણ મર્યાદિત હોય છે.
Page No. 18/39
૫. ઉચ્ચ અદાલતોમાં મોટી સંખ્યામાં પડતર પર્યાવરણીય કેસો
તેમજ આવા કેસોમાં સમાવિષ્ટ બહુઆયામી મુદ્દાઓને ધ્યાનમાં
રાખતાં, સર્વોચ્ચ અદાલતે ભારતના કાયદા પંચને વિશેષ પર્યાવરણીય
અદાલતોની રચવાની જરૂરિયાત પર વિચારણાં કરવા વિનંતી કરી
હતી. તેનાં પગલે, કાયદા પંચે પર્યાવરણીય કાયદાઓ સાથે સંબંધિત
મૂળ અને અપીલીય હુકુમતક્ષેત્ર ધરાવતી પર્યાવરણીય અદાલતોની
સ્થાપનાની ભલામણ કરી છે.
૬. ઉપરોક્ત પરિચ્છેદોને ધ્યાનમાં રાખતાં, પર્યાવરણીય કેસોમાં
સંકળાયેલા બહુઆયામી મુદ્દાઓને સંભાળવા માટે એક વિશેષ
ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની જરૂરિયાત અનુભવાઇ છે. તે મુજબ, પર્યાવરણ સાથે સંબંધિત કોઇ કાનૂની અધિકારની અમલવારી સહિત, પર્યાવરણ સંરક્ષણ અને જંગલો તેમજ અન્ય કુદરતી સંસાધનોના
સંરક્ષણ સાથે સંબંધિત દીવાની કેસોના અસરકારક અને ઝડપી
નિકાલ માટેની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કરવા માટેનો એક
કાયદો ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."
૩૨. કાયદા પંચના ૧૮૬માં અહેવાલ અને અધિનિયમની મુખ્ય લાક્ષણિતાઓ
પરથી નીચે મુજબ તારણો કાઢી શકાય છેઃ
(૧) એમ.સી. મહેતા વિ. ભારત સરકાર [(૧૯૮૬) ૨ એસસીસી
૧૭૬], ઇન્ડિયન કાઉન્સિલ ફોર એન્વાયરો લીગલ એક્શન વિ.
ભારત સરકાર [(૧૯૯૬) ૩ એસસીસી ૨૧૨], એપી પોલ્યુશન
કન્ટ્રોલ બોર્ડ વિ. એમ.વી. નાયડૂ [(૧૯૯૯) ૨ એસસીસી ૭૧૮], એપી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ વિ. એમ.વી. નાયડૂ [(૨૦૦૧) ૨
એસસીસી ૬૨] - આ ચાર કેસોમાં આ અદાલતના વારંવારના
દિશાનિર્દેશોને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની રચના કરવામાં આવી
હતી.
(૨) તમામ પ્રકારના મુદ્દાઓ જેમ કે પર્યાવરણીય મંજૂરીઓ, પર્યાવરણ સંબંધિત વિવાદોનું સમાધાન, પ્રદૂષણ અને પર્યાવરણીય
નુકસાનનાં પીડિતો માટે રાહત અને વળતર, મિલકતની
પુનઃસ્થાપના, પર્યાવરણની પુનઃસ્થાપના વગેરે માટે વન-સ્ટોપ-
શોપ સોલ્યુશન કહી શકાય તે આપવાનો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની
રચનાનો ઉદ્દેશ હતો.
Page No. 19/39
(૩) ટ્રિબ્યુનલ પાસે મૂળ અને અપીલીય - બંને હુકુમતક્ષેત્ર હોવાંની
સાથે વિશાળ સત્તાઓ હતી, જેમાં દીવાની અદાલતના હુકમનામાંની
જેમ તે પોતાના હુકમોનો અમલ કરાવી શકવા ઉપરાંત, જે લોકો તેના
આદેશોનું પાલન ન કરે તેમને સજા પણ કરી શકે.
(૪) ટ્રિબ્યુનલ કોર્ટ ફી લઇ શકવાની હતી અને લિમિટેશન પિરિયડની
અંદર દાખલ કરાયેલ દાવાઓ પણ ચલાવવાની હતી.
૩૩. એનજીટી અધિનિયમ હેઠળ, ૧૯૮૬ના અધિનિયમમાં પણ સુધારો
કરવામાં આવ્યો હતો. એનજીટી અધિનિયમની કલમ-૩૬ થકી ૧૯૮૬ના
અધિનિયમમાં કલમ-૫એ ઉમેરવામાં આવી. આ કલમ અન્વયે, કોઇપણ
ઉદ્યોગ, કામગીરી કે પ્રક્રિયા બંધ કરવાં, પ્રતિબંધિત કરવાં કે અટકાવવાં અથવા
વીજ કે પાણી પૂરવઠો કે અન્ય કોઇપણ સેવાનું નિયમન કરવા સબબના કેન્દ્ર
સરકારે આપેલ કલમ-૫ હેઠળના નિર્દેશો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ
અપીલને પાત્ર બનાવવામાં આવેલ.
૩૪. કલમ-૫ને કલમ-૩(૩) સાથે વંચાણે લેતાં, ૧૯૮૬ના અધિનિયમમાં
કલમ-૫એ ની કાનૂની અસર આ મુજબ રહે :-
(૧) કલમ-૫ હેઠળ, કેન્દ્ર સરકાર અમુક નિર્દેશો આપવાં સક્ષમ છે;
(૨) કલમ-૫ હેઠળની સત્તાનો ઉપયોગ કલમ-૩(૩) હેઠળ રચાયેલ
સત્તામંડળ પણ કરી શકે છે; અને
Page No. 20/39
(૩) કલમ-૫ હેઠળ, કેન્દ્ર સરકાર અથવા કલમ-૩(૩) હેઠળ રચાયેલ
સત્તામંડળ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના
અપીલીય હુકુ મતક્ષેત્રને પાત્ર છે.
૩૫. હવે અમે તે વિચારણા તરફ આગળ ધપીએ છીએ કે, જો કોઈ કેસમાં
એન.જી.ટી.ને અમુક પ્રકારનાં નિર્દેશો ન્યાયના હિતમાં જરૂરી જણાય, તો શું તે
સીપીસીબી/તેના પ્રતિનિધિઓને તેવાં તમામ પગલાં લેવાંના નિર્દેશો આપવાની
સત્તા અને હુકુ મતક્ષેત્ર ધરાવે છે કે કેમ?
૩૬. ૧૯૮૬ના અધિનિયમની કલમ-૩, "પર્યાવરણના રક્ષણ અને તેની
ગુણવત્તા સુધારવાના હેતુસર જે પણ જરૂરી કે અપેક્ષિત જણાતાં હોય તેવાં પગલાં
લેવાં"ની સત્તાઓ, વ્યક્તપણે, યથાસ્થિતિ, કેન્દ્ર સરકાર કે તેના પ્રતિનિધિને
આપે છે. કલમ-૫ કેન્દ્ર સરકાર કે તેના પ્રતિનિધિને કાયદાના ઉદ્દેશો હાંસલ
કરવા માટે દિશા-નિર્દેશો આપવાની સત્તા પ્રદાન કરે છે. કલમ-૩ અને કલમ-
૫ને કલમ-૨(એ) હેઠળની "પર્યાવરણ"ની વિસ્તૃત વ્યાખ્યા સાથે વંચાણે
લેતાં, તે "પર્યારણના સંરક્ષણ અને તેની ગુણવત્તા સુધારવાના હેતુસર" જરૂરી કે
અપેક્ષિત હોય તેવી તમામ સત્તાઓ કેન્દ્ર સરકારમાં નિહિત કરે છે. કેન્દ્ર સરકાર
ઉપરોક્ત હેતુઓ જેની માંગ કરતાં હોય તેવાં તમામ પગલાં લેવાં અને તેવાં તમામ
નિર્દેશો આપવાનો સત્તાધિકાર ધરાવે છે.
Page No. 21/39
૩૭. અમે એ હકીકતની નોંધ લઈએ છીએ કે કેન્દ્ર સરકારે નેશનલ ગ્રીન
ટ્રિબ્યુનલ (પ્રેક્ટિસ એન્ડ પ્રોસીજર્સ) રૂલ્સ, ૨૦૧૧ (ટૂંકમાં "એન.જી.ટી.
રૂલ્સ") ઘડ્યાં છે. અમારા ઉદ્દેશ સબબ નિયમ-૨૪ મહત્વપૂર્ણ છે, જે નીચે
મુજબ છેઃ -
"નિયમ 24.કેટલાંક કિસ્સાઓમાં હુકમ અને નિર્દેશો.-
ટ્રિબ્યુનલ તેનાં હુકમનો અમલ કરાવવાં અથવા તેની કાર્યવાહીનો
દુરુપયોગ અટકાવવાં અથવા ન્યાયના હિતમાં જરૂરી કે અપેક્ષિત હોય
તેવાં હુકમો કે નિર્દેશો આપી શકે."
૩૮. ઉપરોક્ત નિયમ-૨૪ ગ્રેટર મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ અંકિતા
સિંહા, ૨૦૨૧ એસસીસી ઓનલાઇન એસસી ૮૯૭ કેસમાં આ અદાલત સમક્ષ
વિચારણા માટે હતો. અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સત્તાઓ સંબંધે આ
અદાલતે અંકિતા સિંહા (સુપ્રા)માં કરેલા કેટલાંક પ્રાસંગિક અવલોકનો અહીં
ટાંકીએ છીએઃ -
૧૬.૩ ઉપરોક્ત નિયમો સ્પષ્ટ કરે છે કે, એનજીટીને ન્યાયના
અંત્યબિંદુઓ હાંસલ કરવા માટેની વ્યાપક વિવેકાધીન સત્તા
આપવામાં આવી છે. આ સત્તાની સાથોસાથ, ઉદ્દેશો સિદ્ધ કરવાની
ફરજ પણ નિભાવવાની છે. સ્વાભાવિક રીતે જ, તેનો આશય
પર્યાવરણ અને તેની સાથે સંકળાયેલી બાબતોનું સંરક્ષણ અને
સંવર્ધન કરવાનો છે.
૧૬.૪ “ન્યાયના અંત્યબિંદુઓ સુનિશ્ચિત કરવાં” જેવા
શબ્દસમૂહનો ઉપયોગ કરીને, વિધાનમંડળે ઉદાર અર્થઘટન તરફનું
વલણ દાખવ્યું છે. ન્યાયની સુનિશ્ચિતતા એ બહોળો વ્યાપ ધરાવતો
શબ્દ છે અને તે 'બે હરીફ ઇસમો વચ્ચેના વાદમાં કામ ચલાવવા માત્ર'
જેવો સરળ અર્થ કરતો નથી. તેમાં પર્યાવરણીય અધિકારોના હેતુઓને
આગળ ધપાવવાં, હોનારતોના પીડિતોન વળતર અપવાવું, પર્યાવરણીય સિદ્ધાંતોને અમલમાં લાવતી યોજનાઓ બનાવવી અને, Page No. 22/39
જરૂર પડે ત્યારે, સત્તામંડળોને ફટકાર પણ લગાવવાનો સમાવેશ થાય
છે.
૧૬.૫ વધુમાં, દીવાની અદાલતો પક્ષકારો દ્વારા માંગવામાં
આવેલી રાહતથી આગળ ન જઈ શકે. તેના વિપરીત, એન.જી.ટી.ને
કોઈ પણ રાહતમાં ફેરફાર કરવાની સત્તા આપવામાં આવી છે.આ
જોગવાઈઓ દર્શાવે છે કે એન.જી.ટી.ને કેસના તથ્યો અને સંજોગોને
ધ્યાનમાં રાખીને યોગ્ય રાહત આપવાની વ્યાપક સત્તા આપવામાં
આવી છે, ભલે પછી પક્ષકારો દ્વારા આ પ્રકારની રાહત માટે વિશેષ
અરજ કરવામાં આવી ન હોય.
૨૧.૬ .... ઉપરોક્ત દર્શાવે છે કે, શરૂઆતથી જ, એન.જી.ટી.ને માત્ર
કાનૂની કામ ચલાવવાની નહિ, પરંતુ, ૧૭ (૧૯૯૯) ૨ એસ.સી.સી.
૭૧૮ મુજબ, નિષેધાત્મક, સુધારાત્મક અને ઉપચારાત્મક ભૂમિકાઓ
સોંપવામાં આવી છે. એન.જી.ટી.ની કાર્યકારી ક્ષમતાનો આશય તેને
મળેલ પર્યાવરણીય અધ્યાદેશ સબબ સંપૂર્ણ ન્યાય કરવા માટેની
વ્યાપક સત્તાઓનો લાભ લેવાનો હતો.
.
IX સ્વતઃ શરૂઆત કરવા બાબતની સક્ષમતા
૨૫.૧ કાનૂની જોગવાઇઓમાં એનજીટી માટે પરિકલ્પિત
બહુઆયામી ભૂમિકા અને હેતુસર અર્થઘટનને ધ્યાનમાં રાખતાં, તેને
મળેલ સત્તાવિધાનની અમલવારી સબબ, તેના કાર્યક્ષેત્રમાં તમામ
જરૂરી કાર્યો શરૂ કરવા માટેનું માળખું ધરાવતી અને, નીચેની ચર્ચા
મુજબ, તેના આદેશનું અસરકારક અનુપાલન કરાવવા માટે જરૂરી
બાબતોનું સ્વતઃ સંજ્ઞાન લેવાં સક્ષમ હોય તેવી એન.જી.ટી. યથોચિત
રહે.
૨૫.૭ અનુચ્છેદ-૨૧ અન્વયેના અધિકારોનું રક્ષણ કરવાની
ફરજ સંકુ ચિત અર્થઘટનના હોકાયંત્ર પર ટકી શકે નહીં. પ્રક્રિયાગત
જોગવાઈઓને ત્યારે જ આગળ ધપવાં દેવી રહી, જ્યારે કે તે વ્યાપક
જાહેર હિતમાં પર્યાવરણનાં ક્ષેત્રે લાગુ કરવામાં આવેલા મહત્વપૂર્ણ
અધિકારોનાં પદચિહ્નો પર હોય. આ વિશેષ મંચને પર્યાવરણનું
સંરક્ષણ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપવામાં આવી છે. તેના
ક્ષેત્રમાં અસરકારક બને તે માટે આપણે એન.જી.ટી.ને, જરૂર પડ્યે, પગલાં લેવાની જાહેર જવાબદારી સોંપવી જરૂરી છે, કે જેથી સ્વચ્છ
પર્યાવરણના આધારભૂત અધિકારનું રક્ષણ થઈ શકે અને પ્રક્રિયાગત
કાયદો તેના અમલીકરણમાં અવરોધરૂપ ન બને.
Page No. 23/39
૨૬.૩ આગળ જોયું તેમ, એન.જી.ટી. અધિનિયમનની કલમ-
૨૦માં “આદેશ” અને “એવોર્ડ” ઉપરાંત “નિર્ણય” શબ્દ સમાવવામાં
આવેલ હોઇ, ટ્રીબ્યુનલે 'અગમચેતીનો સિદ્ધાંત' અને તેને મળેલ
કાનૂની અધ્યાદેશને લાગૂ કરવાના રહે છે, જે નીચે મુજબ છે : -
"૨૦. ટ્રિબ્યુનલે અમુક સિદ્ધાંતો લાગુ કરવા રહ્યાં.
- કોઇ હુકમ કે ચુકાદો કે એવોર્ડ કરતાં સમયે ટ્રીબ્યુનલે સતત
વિકાસ, અગમચેતીનો સિદ્ધાંત અને "પ્રદૂષણકર્તા ખર્ચ ભોગવે"ના
સિદ્ધાંતો લાગૂ કરવા રહ્યા."
૨૬.૪ ઉપરોક્ત દર્શાવેલ સિદ્ધાંતો માત્ર કાનૂની કામ ચલવાવા
માટે જ નહિ, પરંતુ જ્યારે સરકારી સત્તામંડળો કે પ્રદૂષણકર્તાઓ
પર્યાવરણને થઇ રહેલાં નુકશાન સબબ "પૂર્વાનુમાન કરવામાં, નિષેધ
કરવામાં અને તેનાં કારણોનો પ્રતિકાર કરવામાં" નિષ્ફળ રહે, ત્યારે
અન્ય 'નિર્ણયો' કે 'હુકમો' કરવા સબબના બહોળાં પરિપેક્ષ્યમાં લાગૂ
કરવા રહ્યા. એટલે બે પાસાઓ પર ભાર મૂકવો જરૂરી છે – ટ્રિબ્યુનલ
પોતે જ નિષેધાત્મક અને સંરક્ષણાત્મક પગલાં લે અને પર્યાવરણિય
હિતોની જાળવીમાં નિષ્ફળ રહેલ સરકારી અને ખાનગી સત્તામંડળોને
જવાબદાર ઠેરવે. આમ, પર્યાવરણનાં ક્ષેત્રે એન.જી.ટી.ની સત્તાની
સંપૂર્ણ બહાલી માટે આવી સત્તાઓના સંકુચિત અર્થઘટનને ટાળવું
જોઇએ."
કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ અને કન્સેન્ટ ટુ ઓપરેટ :
૩૯. કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ (સીટીઇ) શું છે અને કન્સેન્ટ ટુ ઓપરેટ
(સીટીઓ) શું છે? કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ (સીટીઇ) એટલે કોઇપણ સ્થળે
પેટ્રોલ રિટેલિંગ આઉટલેટના નિર્માણનું કામ શરૂ કરવા માટે પ્રદૂષણ નિયંત્રણ
બોર્ડની પૂર્વ મંજૂરી. આ તબક્કે, પ્રસ્તાવિત સ્થળમાં ભૂગર્ભ જળનું સ્તર, ભૂગર્ભ
જળનો પ્રકાર, તેની ક્ષારતાં, રહેણાંક સંકુલ, શાળાઓની હયાતી, પ્રસ્તાવિત
આઉટલેટથી પર્યાવરણને સંભવિત જોખમ વગેરે બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ
દ્વારા વિચારણા કરવામાં આવશે. જો 'કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ' આપવામાં આવે, Page No. 24/39
તો હવા, ભૂગર્ભ જળની ગુણવત્તા તેમજ માટીનાં સંરક્ષણ માટે સૂચવવામાં
આવેલ શરતોનું પાલન કરવું રહે. આ અંગેની સત્તાઓ 'વોટર (પ્રિવેન્શન એન્ડ
કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટ, ૧૯૭૪'ની કલમ-૨૫ હેઠળ ઉપલબ્ધ છે.
૪૦. 'કન્સેન્ટ ટુ ઓપરેટ' (સીટીઓ) એટલે રિટેલ પેટ્રોલિયમ આઉટલેટની
સ્થાપના પછી, કામગીરી શરૂ કરવાની મંજૂરી આપતું જે પ્રમાણપત્ર આપવામાં
આવે તે. આ તબક્કે ‘કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ’ આપતાં સમયે લાદવામાં આવેલી
શરતોનું વાસ્તવિક અનુપાલન નિર્ધારિત કરવામાં આવે છે. જો કોઈ વધારાના
પગલાંની જરૂર પડે, તો ફર્ધર ઓર્ડર્સ આપવામાં આવશે. પર્યાવરણની સંપૂર્ણ
સુરક્ષા અંગે સંતોષ થયા પછી આવું પ્રમાણપત્ર આપવામાં આવે છે. નવા
આઉટલેટના કિસ્સામાં, કંપની સૌપ્રથમ કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ મેળવશે અને
પછી પેટ્રોલનો જથ્થો ધરાવતાં તે એકમને કાર્યરત કરતાં પહેલાં 'કન્સેન્ટ ટુ
ઓપરેટ' મેળવવાની રહે. હયાત આઉટલેટ્સે તેમનાં એકમોમાં ઉપલબ્ધ કરાયેલ
સેફગાર્ડ્સ દર્શાવવાના રહે અને તેનાં થકી પ્રદૂષણ નિયંતત્ર બોર્ડને ખાતરી
આપવી રહી કે, એકમ પર્યાવરણને હાનિ પહોંચાડશે નહિ. આવો સંતોષ થયાં
પછી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાતત્યપણે કામકાજ કરવાની મંજૂરી આપતું
પ્રમાણપત્ર આપશે. આખરી નિર્દેશનો આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે, હયાત
આઉટલેટ્સ વાયુ પ્રદૂષણ સંબંધે સુરક્ષિત હોવા ઉપરાંત, ભૂગર્ભ જળ અને
જમીનમાં રિસાવ સામે પણ સુરક્ષિત હોય. એન.જી.ટી. હયાત એકમોમાં સુરક્ષા
Page No. 25/39
સુનિશ્ચિત કરનાર સત્તામંડળ હોઇ, આ નિર્દેશ આપવાની તેની જન્મજાત સત્તા
છે.
૪૧. સી.ટી.ઇ. અને સી.ટી.ઓ. મેળવવા માટે જરૂરી મૂળભૂત દસ્તાવેજો નીચે
મુજબ છેઃ
કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશ:
ઉત્પાદન એકમ/પ્રોજેક્ટનો સાઇટ પ્લાન
કાચા માલની વિગતો, પ્રસ્તાવિત પેદાશ, સ્થાપના(જમીન અને પ્લાન્ટ
મશીનરી)નો મૂડી ખર્ચ, જળ સંતુલન, પાણીનો સ્ત્રોત અને તેના પ્રસ્તાવિત
જથ્થાની વિગતો સમાવતો સંક્ષિપ્ત પ્રોજેક્ટ રિપોર્ટ
ભાડાં ખત/ નોંધણી ખત/ લીઝ ડીડ જેવાં જમીનના દસ્તાવેજો
વાયુ પ્રદૂષણ નિયંત્રણ/જળ પ્રદૂષણ નિયંત્રણના ઉપકરણોની વિગતો
મેમોરેન્ડમ ઓફ એશોશીએશન/ ભાગીદારી કરાર
કન્સેન્ટ ટુ ઓપરેટ :
સક્ષમ સત્તામંડળ દ્વારા આપવામાં આવેલી છેલ્લી સંમતિની નકલ
ઉત્પાદન પ્રક્રિયાઓની વિગતો દર્શાવતી લેઆઉટ સ્કીમ્સ
પ્રદૂષકો, ઘન કચરા, બળતણ ગેસ અને જોખમી કચરા અંગેનો તાજેતરનો
વિશ્લેષણાત્મક અહેવાલ.
Page No. 26/39
સી.એ. દ્વારા પ્રમાણિત સરવૈયાની નકલ
જેનો વેપાર કરવામાં આવી રહ્યો છે, તે તત્વને જમીનમાં રિસાવ માટે
છોડવાના કિસ્સામાં, જમીનની વિગત
વિસ્તાર વિકાસ પરિયોજનાઓ/મકાન અને બાંધકામ પરિયોજનાઓના
કિસ્સામાં, નગર કે રાષ્ટ્ર આયોજન વિભાગ દ્વારા આપવામાં આવેલ વ્યવસાય
નોંધણી
મેમોરેન્ડમ ઓફ એશોશીએશન/ ભાગીદારી કરાર
૪૨. પેટ્રોલ પંપની સ્થાપના અંગેની સી.પી.સી.બી. દ્વારા ૦૭/૦૧/૨૦૨૦ના
રોજના ઓફિસ મમોરન્ડમ અન્વયે આપવામાં આવેલી માર્ગદર્શિકાને આ
ચુકાદામાં સામેલ કરવી યોગ્ય રહેશે. આ માર્ગદર્શિકા નીચે મુજબ છેઃ -
નવા પેટ્રોલ પંપ સ્થાપવા માટેની માર્ગદર્શિકા
એ. પેટ્રોલ પંપો પર ઇંધણ ભરવાની કામગીરીમાંથી થતાં રિસાવને
નિયંત્રણમાં લેવા અને તેનાં પર પ્રક્રિયા કરવા બાબત:
૧. ઊંચું ભૂગર્ભ જળ સ્તર, એટલે કે ૦૪ મીટરથી ઓછાં સ્તરે
ભૂગર્ભ જળ, ધરાવતાં વિસ્તારોમાં સ્થિત પેટ્રોલ પમ્પોમાં
બેવડી દિવાલ ધરાવતી ટાંકીઓ અથવા કોંક્રિટ પ્રોટેક્શન વેઇલ
સ્વરૂપે સેકન્ડરી કન્ટેન્મેન્ટ હોવું રહ્યું, કે જેથી ભૂગર્ભ જળ અને
માટીના પ્રદૂષણને ઘટાડી શકાય. પ્રસ્તાવિત પેટ્રોલ પંપના
સ્થળે ભૂગર્ભ જળ-સ્તરને યોગ્ય રીતે માપવામાં આવે અને
આવા સ્થળો માટે સુરક્ષાના આવાં પર્યાપ્ત પગલાંનું અમલીકરણ
સુનિશ્ચિત કરવામાં આવે તેની જવાબદારી ઓ.એમ.સી.ની
રહેશે. ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા લેવામાં આવેલા પગલાંની
વિગતો જાહેર કરવાની રહેશે અને વિરોધાભાસી દ્રષ્ટિકોણના
કિસ્સામાં, રાજ્ય/કેન્દ્રીય ભૂગર્ભ જળ બોર્ડ/સત્તામંડળનો
દ્રષ્ટિકોણ અધિગ્રાહી રહેશે.
Page No. 27/39
૨. તમામ નવા રીટેલ આઉટલેટ્સમાં, પી.ઇ.એસ.ઓ. દ્વારા મંજૂર
કરાયેલ (એચ.ડી.પી.ઇ./માઇલ્ડ સ્ટીલ ઇત્યાદિ વાળાં)
ફ્લેક્સીબલ કનેક્ટર્સ, પંપ્સ ફીટિંગ્સ ઇત્યાદિ જેવાં આનુસંગિક
ઘટકો સહિત, ભૂગર્ભ ટાંકી/જમીન પરની ટાંકી હોવી રહી.
૩. કોઇપણ મોટી (એક બેરલ - ૧૬૫ લિટર થી વધુ માત્રામાં)
પેટ્રોલ, ડીઝલ, લ્યુબ ઓઇલ લિકેજ/ઢોળાંયાની ઘટનામાં, સંબંધિત ઓ.એમ.સી.એ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પી.ઇ.એસ.ઓ. અને જીલ્લા વહીવટીતંત્રને, સી.પી.સી.બી.ને
જાણકારી આપવાની વ્યવસ્થા હેઠળ, ઘટનાના ૨૪ કલાકમાં
જાણ કરવાની રહેશે. સંબંધિત ભૂગર્ભ સ્ટોરેજ ટેન્ક
(યુ.એસ.ટી.) અને તેના આનુષંગિક ઘટકોની કામગીરી
તાત્કાલિક બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી
પી.ઇ.એસ.ઓ. અને સંબંધિત એસ.પી.સી.બી.ને સંતોષ થાય
તેવાં, લિકેજ/સ્પિલેજને નિયંત્રિત કરવાં અને અટકાવવા
માટેના સુધારાત્મક પગલાંનો અમલ ન થાય, ત્યાં સુધી તે ફરી
શરૂ કરવામાં આવશે નહીં. ઓ.એમ.સી.ને
(એસ.પી.સી.બી./પી.સી.સી. દ્વારા લાદવામાં આવેલ)
પર્યાવરણીય વળતર અને (માટી અને ભૂગર્ભ જળમાં થયેલ
પ્રદૂષણની માત્રા પર આધારિત) પર્યાવરણીય નુકસાનની
આકારણી તેમજ સાઇટ રેમેડીએશન માટે જવાબદાર માનવામાં
આવશે. ઓ.એમ.સી. દ્વારા નિયુક્ત સલાહકાર/નિષ્ણાત
એજન્સીને આ ક્ષેત્રમાં ઓછામાં ઓછો ૫ વર્ષનો
રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ હોવો જોઈએ. ભૂગર્ભ
પ્રદૂષણોને દૂર કરવા માટે વિવિધ સ્વીકૃ ત પદ્ધતિઓ પર વિચાર
કરવામાં આવે.
૪. તમામ ડીયુમાં ગ્રાહકના ફ્યુઅલ ટેન્કમાં ફ્યુઅલનું સ્તર સંપૂર્ણ
ક્ષમતા સુધી પહોંચે તો ઇંધણનો પ્રવાહ બંધ થઇ જાય તેવાં
ઓટો કટ ઓફ નોઝલ્સ રહેશે.
૫. જ્યારે નોઝલ ઇંધણ ભરવાની સ્થિતિમાં હોય અને ગ્રાહકનું
વાહન આગળ વધી જાય, તેવાં કિસ્સામાં, સ્પિલેજ ઘટાડવાં
માટે ડિસ્પેન્સિંગ યુનિટ્સના તમામ હોસીસમાં બ્રેકવે
લગાવવાના રહેશે.
૬. રિફ્યુએલિંગ આકસ્મિક રીતે બંધ ન થાય તેનાં માટે નોઝલને
યોગ્ય સ્થિતિમાં ગોઠવી શકાય તે માટે તમામ ડિસ્પેન્સિંગ
Page No. 28/39
યુનિટ્સ માટે બ્રેકઅવે કપલિંગ સાથે સિંગલ/ડબલ પ્લેન
સ્વીવલ લગાવવાની રહેશે.
૭. જ્યાં પ્રેશરાઇઝ્ડ ડિસ્પેન્સેશન હોય, ત્યાં કોઇ યુનિટમાં
અકસ્માત થતાં તમામ ડિસ્પેન્સિંગ યુનિટમાં ફ્યુઅલ ફ્લો કાપી
નાખવા માટેના શીયર વાલ્વ લગાવવાના રહેશે.
૮. પ્રેશરાઇઝ્ડ સિસ્ટમમાં તમામ સબમર્સિબલ ટર્બાઇન પંપ
(એસ.ટી.પી.) લાઇન લીકેજ ડિટેક્ટર સાથે લગાવવાના રહેશે
અને પાઇપલાઇન લીક થવાની સ્થિતિમાં એસ.ટી.પી. ભૂગર્ભ
ટેન્કોમાંથી ફ્યુઅલ પંપ કરવાનું બંધ કરી દેશે.
૯. મલ્ટી-પ્રોડક્ટ ડિસ્પેન્સર (એમપીડી) પર ઇમરજન્સી સ્ટોપ
બટન આપવામાં આવશે, જેથી ઇમરજન્સીની સ્થિતિમાં
ડિસ્પેન્સેશન અટકાવી શકાય.
૧૦. તમામ નવા રિટેલ આઉટલેટ્સમાં ટેન્ક લીકના કિસ્સામાં
પી.ઇ.એસ.ઓ. દ્વારા માન્યતા પ્રાપ્ત ઓટો ગેજિંગ સિસ્ટમ દ્વારા
એલર્ટ આપવા માટેની ઓટોમેશન સિસ્ટમ લગાવવાની રહેશે.
૧૧. તમામ રિટેલ આઉટલેટ્સે ઓટોમેશન મારફતે ઓવરફિલ
એલાર્મ આપતી સિસ્ટમ લગાવવાની રહેશે.
૧૨. ફિલ પોઇન્ટ ચેમ્બર્સ અને ફોરકોર્ટ એરિયામાં સ્પિલ
કન્ટેઇન્મેન્ટ માટેના, પી.ઇ.એસ.ઓ. દ્વારા સૂચિત, પગલાં
લેવાંના રહેશે.
બી. ભૂગર્ભ જળ અને માટીના પ્રદૂષણને અટકાવવા માટે ભૂગર્ભ
સંગ્રહ ટાંકીઓમાંથી લીકેજીસ (લીકેજ ડિટેક્શન સિસ્ટમ) ની
તપાસ કરવી:
૧. તમામ નવા રિટેલ આઉટલેટમાં દૈનિક કામગીરી પછી વોલ્યુમ
બેલેન્સનો અહેવાલ આપતી અને રેકોર્ડની જાળવણી કરતી
ઓટોમેશન સિસ્ટમ લગાવવાની રહેશે.
૨. મહિનામાં એકવાર મેન્યુઅલ ગોજીંગ કરવાનું રહેશે અને તેની
સચોટતા ચકાસવા માટે ઓટોમેટિક ટેન્ક ગોજીંગ સાથે તેની
સરખામણી કરવાની રહેશે.
Page No. 29/39
૩. દૈનિક એમ.એસ. અને એચ.એસ.ડી. લોસ, એમ.ઓ.પી.એન.જી. (મિનિસ્ટ્રી ઓફ ઓઇલ, પેટ્રોલિયમ
એન્ડ નેચરલ ગેસ) દ્વારા સૂચિત મર્યાદાથી, વધારે હોવાં
જોઇએ નહીં. આવી મર્યાદાઓથી વધારે લીકેજની સ્થિતિમાં
ઓ.એમ.સી.એ તેનું વિશ્લેષણ કરવાનું રહેશે અને નુકસાનના
કારણોની તપાસ કરવા માટેની આગળની કાર્યવાહી કરવાની
રહેશે. લીકેજના કારણે માટી/ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાના
કિસ્સાઓમાં:-
એ. સંબંધિત ઓ.એમ.સી. ઘટનાના ૨૪ કલાકમાં
સીપીસીબીને જાણ કરીને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પી.ઇ.એસ.ઓ. અને જિલ્લા વહીવટીતંત્રને અહેવાલ
આપશે. આ પ્રકારની ભૂગર્ભ સ્ટોરેજ ટેન્ક (યુએસટી)
અને તેના આનુષંગિક ઘટકોની કામગીરી તાત્કાલિક
બંધ કરવાની રહેશે.
બી. પર્યાવરણમાં વધુ રિસાવ અટકાવવા માટે ભૂગર્ભ સ્ટોરેજ
ટેન્કમાંથી ઇંધણ તાત્કાલિક દૂર કરવાનું રહેશે.
પી.ઇ.એસ.ઓ.એ કરેલ ભલામણ મુજબ, લીકેજને
કારણે નીકળતી બાષ્પને કારણે થતાં વિસ્ફોટને
અટકાવવા માટેનાં પગલાં તાત્કાલિક અમલમાં મૂકવાનાં
રહેશે.
સી. (એસ.પી.સી.બી./પી.સી.સી.એસ. દ્વારા લાદવામાં
આવેલ) પર્યાવરણીય વળતર અને (માટી અને ભૂગર્ભ
જળમાં પ્રદૂષણની માત્રા પર આધારિત)પર્યાવરણીય
નુકસાનનું મૂલ્યાંકન અને સાઇટ રેમેડીએશન માટે
ઓ.એમ.સી. (ઓઇલ માર્કેટિંગ કંપની) જવાબદાર
રહેશે. ઓ.એમ.સી. દ્વારા નિયુક્ત સલાહકાર/નિષ્ણાત
એજન્સીને આ ક્ષેત્રમાં ઓછામાં ઓછો ૫ વર્ષનો
રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય અનુભવ હોવો જોઈએ. ભૂગર્ભ
પ્રદૂષણોને દૂર કરવા માટે વિવિધ સ્વીકૃ ત પદ્ધતિઓ પર
વિચાર કરવામાં આવે.
ડી. પી.ઇ.એસ.ઓ. અને સંબંધિત એસ.પી.સી.બી.ને
સંતોષ થાય તે મુજબના, લીકેજ નિયંત્રિત કરવાના અને
તેને અટકાવવા માટેના સુધારાત્મક પગલાંનો અમલ ન
Page No. 30/39
થાય ત્યાં સુધી ભૂગર્ભ ટેન્ક અને તેના આનુષંગિક
ઘટકોની કામગીરી ફરી શરૂ કરવામાં આવશે નહીં.
૪. દર ૭ વર્ષે તમામ ભૂગર્ભ ટેન્ક અને પાઇપલાઇનનું લીકેજ
સબબ પરીક્ષણ કરવાનું રહેશે.
સી. સફાઈ દરમિયાન ભૂગર્ભ ટાંકીઓમાંથી દૂર કરવામાં આવેલા
કાદવની પ્રક્રિયા અને તેના નિકાલની નીતિઃ
ડી. વેપોર રિકવરી સિસ્ટમની સ્થાપના, સંચાલન અને જાળવણીઃ
૧. દર મહિને ૩૦૦ કે.એલ. એમ.એસ. વેચાણની ક્ષમતા ધરાવતાં
અને ૧ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સ્થાપવામાં
આવેલાં તમામ નવા રિટેલ આઉટલેટ્સને વી.આર.એસ.
આપવામાં આવશે. એમ.એસ. ૩૦૦ કે.એલ.ના વેચાણને
સ્પર્શે તે સમય સુધીમાં વી.આર.એસ. કાર્યરત થઇ જવું જોઈએ.
વી.આર.એસ. લગાવવામાં નિષ્ફળ જવાના કિસ્સામાં, એસ.પી.સી.બી./પી.સી.સી. દ્વારા વી.આર.એસ.ના ખર્ચને
સમકક્ષ પર્યાવરણ વળતર લાદવામાં આવશે અને અનુપાલન
ન થયાના સમયગાળાના પ્રમાણસર તેમાં વધારો કરવામાં
આવશે.
૨. ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરમાં સ્થાપવામાં આવેલ
અને મહિને ૧૦૦ કે.એલ. એમ.એસ. વેચાણની ક્ષમતા
ધરાવતાં પ્રત્યેક નવા રિટેલ આઉટલેટને વી.આર.એસ.
આપવામાં આવશે. એમ.એસ.નું વેચાણ ૧૦૦ કે.એલ. સ્પર્શ
થયા દીવસથી ૦૩ મહિનાની અંદર વી.આર.એસ. લગાવવી
જોઇએ. વી.આર.એસ. લગાવવામાં નિષ્ફળ જવાના કિસ્સામાં, એસ.પી.સી.બી./પી.સી.સી. દ્વારા વીઆરએસના ખર્ચને
સમકક્ષ પર્યાવરણ વળતર લાદવામાં આવશે અને અનુપાલન
ન થયાના સમયગાળાના પ્રમાણસર તેમાં વધારો થશે.
૩. સ્ટેજ-૨ વી.આર.એસ.ના કિસ્સામાં, વેપોરની યોગ્ય રિકવરી
થઇ શકે તે માટે, નોઝલમાં ફ્લેક્સીબલ કવર ફ્લેપ અથવા
અન્ય વૈકલ્પિક સિસ્ટમ લગાવવાની રહેશે, જેથી ટાંકીને યોગ્ય
રીતે ઢાંકી શકાય.
Page No. 31/39
૪. લગાવવામાં આવેલ વી.આર.એસ.ની જાળવણી માટે
ઓ.એમ.સી. જવાબદાર રહેશે. તેમણે કાનૂની માળખામાં
સૂચિત, એ.જે.એલ. નિયામક માટે પીરિયોડિક ઇન્સપેક્શન
જાળવવાનું રહેશે. યોગ્ય રેકોર્ડ જાળવવો રહ્યો, ૫. ડિસ્પેન્સરની કામગીરીને વીઆરએસ કામગીરી સાથે જોડવાની
રહેશે. વી.આર.એસ.ની કામગીરી પર દેખરેખ રાખવા માટેની
ઓનલાઇન સિસ્ટમ ૦૬ માસની અંદર વિકસાવવાની રહેશે.
વી.આર.એસ. નિષ્ક્રિય હોવાના કિસ્સામાં, સંબંધિત
ઓ.એમ.સી.ને આપોઆપ જાણ થશે. ૨૪ કલાકની અંદર, તાત્કાલિક, વાય.આર.એસ. ચાલુ કરવાનું રહેશે અને ૭૨
કલાકની સુધી નિષ્ક્રિય રહેવાનાા કિસ્સામાં, ફ્યુઅલિંગ
સ્ટેશનમાંથી એમ.એસ.નું વેચાણ બંધ કરવાનું રહેશે.
વાય.આર.એસ.ની કામગીરીનો યોગ્ય રેકોર્ડ જાળવવાનો રહેશે.
૬. ૩૦૦ કે.એલ. પ્રતિ માસથી વધુનું વેચાણ કરતાં પેટ્રોલ પંપ
સબબ વી.ઓ.સી. અને બેન્ઝીન માટેનું વર્કઝોન મોનિટરિંગ
ઓ.એમ.સી.(ઓઇલ માર્કેટિંગ કંપની)એ કરવાનું રહેશે, જ્યારે
૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં ક્ષેત્રોમાંના પેટ્રોલ પંપ સબબ, વર્ષમાં એકવાર, પર્યાવરણ અધિનિયમ, ૧૯૮૬ અન્વયે
માન્યતાપ્રાપ્ત લેબ દ્વારા ઓ.એસ.એચ.એ. નોર્મ્સ (ટાઇમ-
વેઇટેડ એવરેજ)નું અનુપાલન ચકાસવાનું રહેશે અને તેનો
અહેવાલ એસ.પી.સી.બી.ને કરવાનો રહેશે. આ ઉપરાંત, વી.ઓ.સી.ની ઓનલાઇન દેખરેખ માટે ઓ.એમ.સી. દ્વારા
નિષ્ણાત સંસ્થાઓ મારફતે પ્રાયોગિક અભ્યાસ હાથ ધરવાનો
રહેશે.
ઇ. પ્રતિ માસ ૩૦૦ કે.એલ.થી વધુનું વેચાણ ધરાવતાં તેમજ ૧૦
લાખથી વધુ વસ્તીવાળા ક્ષેત્રોમાંના પેટ્રોલ પંપ્સ સબબ, દર બે
વર્ષમાં એક વાર, પર્યાવરણ અધિનિયમ, ૧૯૮૬ અન્વયે
માન્યતાપ્રાપ્ત લેબ મારફત નીચેના માપદંડો સબબ ભૂગર્ભજળ
અને માટીની ગુણવત્તાની ચકાસણી કરાવી તેનો અહેવાલ
સી.પી.સી.બી.ને સુપરત કરવાનો રહેશેઃ
માન્ય મર્યાદા
Sr.
No.
Parameter Permissible Limit
1 Total petroleum hudrocarbons 600 pg/I 2 BTEX i. Benzene – 950 pg/I Page No. 32/39 ii. Toluene – 300 pg/I iii. Zylenes a. O-xylene-350 pg/I b. M&p-xylene – 200 pg/I
3 Ethanol 1400 Pg/I
4 Methyl Tertiary Butyl Ether 13 Pg/I 5 PAH 0.000 Pg/I સી.પી.સી.બી. સહિતની, અમલીકરણ સંસ્થાઓ પ્રદૂષણની ચકાસણી માટે પેટ્રોલ પંપ તેમજ તેની આસપાસના વિસ્તારમાંથી સેમ્પલ મેળવી શકશે. એફ. કામદારોના આરોગ્યની સુરક્ષા માટેના પગલાં ૧. રિટેલ આઉટલેટ્સ સાથે સંકળાયેલા તમામ કામદારોને ઇ.એસ.આઇ. હેઠળ આવરી લેવાના રહેશે, ઓ.એમ.સી. ડીલરોએ શ્રમ કાયદાઓ મુજબનાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ(પી.પી.ઇ.)નો અમલ કરવાનો રહેશે. ૨. ઓ.એમ.સી. ડીલરોએ નિયમિતપણે, સમયાંતરે કામદારો માટે આઈ.ઈ.સી. (ઇન્ફોર્મેશન એજ્યુકેશન કમ્યુનિકેશન) પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ, કે જેથી તેમને વી.ઓ.સી. ઉત્સર્જનની હાનિકારક અસરો વિશે જાગૃત બનાવી શકાય, જી. પેટ્રોલ પંપ પર અમલમાં મૂકવામાં આવેલા સુરક્ષાના તમામ પગલાં અને મોનિટરીંગ સિસ્ટમનું ઓડિટઃ પી.ઇ.એસ.ઓ.એ વાર્ષિક ધોરણે પાઈપ, ઓવરફિલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ અને એલાર્મ સિસ્ટમ સહિત ટેન્ક અને ઇંધણ ઉપકરણોનું ઓડિટ કરવાનું અને રેકોર્ડ્સની જાળવણી કરવાની રહેશે. એચ. રિટેલ આઉટલેટ્સના સ્થાયી માપદંડઃ પેટ્રોલ પંપ માટે સ્થાયી માપદંડના કિસ્સામાં, નવા રિટેલ આઉટલેટ્સ શાળાઓ, (૧૦ અને તેનાથી વધુ બેડ્સ ધરાવતી) હોસ્પિટલો અને સ્થાનિક કાયદા અનુસાર નિયત કરેલ રહેણાંક વિસ્તારોથી (ફિલ પોઇન્ટ/ડિસ્પેન્સિંગ યુનિટ/વેન્ટ પાઇપમાંથી જે પણ નજીકનું હોય તેનાથી) ૫૦ Page No. 33/39 મીટરના પરિઘની અંદર સ્થિત હોવાં જોઇએ નહીં. ૫૦ મીટરનું અંતર જાળવવામાં અવરોધોના કિસ્સામાં, રિટેલ આઉટલેટે પી.ઇ.એસ.ઓ. દ્વારા સૂચવ્યા અનુસારના સલામતીના અતિરિક્ત પગલાંનો અમલ કરવાનો રહેશે. કોઈ પણ કિસ્સામાં, શાળાઓ, (૧૦ અને તેનાથી વધુ બેડ્સ ધરાવતી) હોસ્પિટલો અને સ્થાનિક કાયદા અનુસાર નિયત કરેલ રહેણાંક વિસ્તાર વચ્ચેનું અંતર ૩૦ મીટરથી ઓછ ુ ં હોવું જોઇએ નહીં. રિટેલ આઉટલેટ ઉપરથી કોઈ પણ હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોવી જોઇએ નહીં." ૪૩. એર (પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન) એક્ટ, ૧૯૮૧ની કલમ- ૨૧ બોર્ડની પૂર્વમંજૂરી વિના એર પોલ્યુશન કન્ટ્રોલ એરિયામાં કોઇપણ ઔદ્યોગિક પ્લાન્ટની સ્થાપના અને સંચાલન બંને પર નિયંત્રણો લાદે છે. આ જોગવાઈ પાછળનો કાનૂની આશય બે ખ્યાલોને સમજવા તરફ દોરી જશે – એક, ઔદ્યોગિક પ્લાન્ટની સ્થાપના માટે સંમતિ અને બીજુ ં, પ્લાન્ટની કામગીરી માટે સંમતિ. આ કલમનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, જ્યારે કોઈ એકમ અથવા ઔદ્યોગિક પ્લાન્ટને કન્સન્ટ ટુ ઓપરેટ આપવામાં આવે, ત્યારે એકમે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લીશના હુકમમાં જણાવેલી તમામ શરતો પૂરી કરેલ હોય અને તે એકમ પ્રદૂષણ ન કરે તે સુનિશ્ચિત કરવાં જરૂરી એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય પ્રદૂષણ વિરોધી ઉપકરણો લગાવેલ હોય. ૪૪. અમારી ઉપરોક્ત ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે, એન.જી.ટી.ના જે નિર્દેશો સબબ અમારી સમક્ષ વાદ લાવવામાં આવ્યો છે, તે નિર્દેશો આપવાં એન.જી.ટી સક્ષમ છે અને તે એનાં હુકુ મતક્ષેત્ર હેઠળ છે. જો કે, અમે તે પ્રશ્ન પર ચર્ચા કરવાનું Page No. 34/39 પસંદ કરીએ છીએ કે - શું વાદગ્રસ્ત નિર્દેશો વ્યાજબી છે અને શું તેનાથી રીટેલ આઉટલેટ્સને બીનજરૂરી હેરાનગતિ અને મુશ્કેલીઓ ઊભી થશે કે કેમ? ૪૫. અમે એ હકીકતની નોંધ લઈએ છીએ કે, અમારી સમક્ષના તમામ અપીલકર્તાઓએ તેમની સાઇટ્સ અને રિટેલ આઉટલેટ્સ પર વી.આર.એસ. અને વી.આર.ડી. લગાવી દીધાં છે. અમે એ હકીકતની પણ નોંધ લઈએ છીએ કે, ચેન્નાઈ સ્થિત એન.જી.ટી. સમક્ષ સામાવાળા નં. ૨ (મૂળ અરજદાર)એ સી.ટી.ઇ. અને સી.ટી.ઓ. ફરજિયાત કરવા સબબની કોઇ અરજ કરી નહોતી. ઓ.એ. નં. ૧૩૮/૨૦૨૦ (એસ.ઝેડ)માં કરવામાં આવેલ અરજ તમિલનાડુ રાજ્ય પૂરતી જ મર્યાદિત હતી. જોકે, વાદગ્રસ્ત હુકમ અન્વયે ચેન્નઇ સ્થિત એન.જી.ટી.એ ૩૦૦ કે.એલ./માસ થી વધુ ટર્નઓવર ધરાવતાં અને ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં સ્થિત તમામ પેટ્રોલિયમ આર.ઓ.ને વી.આર.એસ. પ્રણાલી લગાવવાનો નિર્દેશ આપ્યો છે. અમે એ બાબતની પણ નોંધ લઈએ છીએ કે સી.પી.સી.બી.એ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય સાથે પરામર્શ કરી, સમયાંતરે વી.આર.એસ. લગાવવા માટેનાં પરિપત્રો/માર્ગદર્શિકા બહાર પાડી છે (જેને વેપોર રીકવરી ડિવાઇસ સર્ક્યુલર તરીકે પણ ઓળખવામાં આવે છે). અમે વી.આર.એસ. લગાવવા સંબંધે ચેન્નાઈ સ્થિત એનજીટી આપવામાં આવેલા વાદગ્રસ્ત નિર્દેશોમાં વિક્ષેપ કરવા માંગતા Page No. 35/39 નથી. સી.પી.સી.બી.એ તે સુનિશ્ચિત કરવાનું રહેશે કે, આ નિર્દેશો ચુસ્તપણે અમલમાં મૂકાય અને તેનું અનુપાલન થાય. ૪૬. અમારાં માટે તે નોંધવું મહત્વપૂર્ણ છે કે, સી.પી.સી.બી. દ્વારા તા.૩૦/૦૪/૨૦૨૦ અને તા.૦૭/૦૩/૨૦૧૬ના રોજ આપવામાં આવેલ નિર્દેશો/માર્ગદર્શિકાઓ મુજબ 'હરિત' તરીકે વર્ગીકૃ ત કરાયેલ ઓટોમોબાઇલ ફ્યુઅલ આઉટલેટ્સને આ મંજૂરી વ્યવસ્થા-માળખાંથી મુક્તિ આપી શકાય છે. વિદ્વાન સોલિસિટર જનરલે રજૂઆત કરી કે, સી.પી.સી.બી.એ યોગ્ય મંથન અને ચર્ચા-વિચારણા કર્યા પછી જ ઉપરોક્ત નિર્દેશો જાહેર કર્યા છે. એન.જી.ટી.એ પોતાના વાદગ્રસ્ત હુકમના પરિચ્છેદ-૬૬માં નોંધ્યું છે કે, ઓઇલ ઇન્ડસ્ટ્રીને 'હરિત શ્રેણી' તરીકે ઓળખવામાં આવે છે અને તેને સી.ટી.ઈ. અને સી.ટી.ઓ.ની જરૂર નથી. અમને એવું લાગે છે કે, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વી.આર.એસ. લગાવવાની બાબત પર કડક દેખરેખ રાખવામાં નહીં આવે તેવી એન.જી.ટી.ની આશંકાને કારણે એન.જી.ટી.એ સી.પી.સી.બી. અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નિર્દેશો આપ્યાં કે, તેઓ પરિપત્ર બહાર પાડી નવા પેટ્રોલિયમ આઉટલેટ્સ સ્થાપવા માટેની પૂર્વશરત તરીકે સી.ટી.ઈ. અને સી.ટી.ઓ. મેળવવાનું ફરજિયાત બનાવે. અમારી સમક્ષ કરવામાં આવેલ દલીલો અને રેકોર્ડ પરની સામગ્રીના આધારે, અમે સહમત છીએ કે સી.ટી.ઇ. અને સી.ટી.ઓ. મેળવવાનું ફરજિયાત બનાવવાની જરૂર નથી. અમે સી.પી.સી.બી. Page No. 36/39 પર ભાર મૂકીને એ બાબતની ખાતરી કરવા માંગીએ છીએ કે ઉપરોક્ત ઉલ્લેખિત તેની માર્ગદર્શિકાઓનું ચોકસાઈપૂર્વક પાલન થાય અને એકવાર માર્ગદર્શિકાઓનું ચોકસાઈપૂર્વક પાલન થવા માંડે પછી આર.ઓ. (રીટેલ આઉટલેટ) શરૂ કરવા/ કાર્યાન્વિત કરવા સબબના સી.ટી.ઈ. અને સી.ટી.ઓ. મેળવવા બાબત કોઈ નિર્દેશની જરૂર નથી. અમે સંબંધિત અપીલકર્તાઓ તરફે હાજર વિદ્વાન કાઉન્સેલ્સ સાથે સહમત છીએ કે, હાલમાં કાર્યરત આર.ઓ.ને સી.ટી.ઓ. મેળવવા માટે કહેવું ખૂબ જ ગેરવાજબી છે અને તે વિવિધ મુશ્કેલીઓ ઊભી શકે. ભવિષ્યમાં સ્થપાનાર રીટેલ આઉટલેટ્સને પણ સી.ટી.ઈ. અને સી.ટી.ઓ. મેળવવાનો નિર્દેશ આપવાથી પણ મુશ્કેલીઓ વધશે અને સમયનો બગાડ થશે અને તેથી અમને તે વાજબી લાગતું નથી. ૪૭. આ સંજોગોમાં, સી.પી.સી.બી.એ સદરહુ ૧૯૮૬ના અધિનિયમની કલમ-૫ હેઠળની સત્તાઓનો ઉપયોગ પર્યાવરણના સંરક્ષણ હેતુસર કરવાની દોરવણી આપવાની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને સત્તા હોવાનું ઠેરવવાની સાથે, અમે ચેન્નાઇ સ્થિત એન.જી.ટી.ના વાદગ્રસ્ત હુકમના ફકરા નં. ૬૯( ) iii અને ૬૯( ) iv માં સમાવિષ્ટ વાદગ્રસ્ત નિર્દેશોમાં ફેરફાર કરવાનું વલણ રાખીએ છીએ. ૪૮. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી, અમે નીચેની શરતોએ દીવાની અપીલ નં. ૨૦૩૯/૨૦૨૨નો નિકાલ કરીએ છીએ: - Page No. 37/39 (એ) સી.પી.સી.બી. એ તે સુનિશ્ચિત કરવું રહ્યું કે, તેનાં તા.૦૪/૦૬/૨૦૨૧ના પરિપત્ર મુજબની નવી સમયમર્યાદામાં, ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં સ્થિત અને માસિક ૩૦૦ કે.એલ.થી વધુનું ટર્નઓવર ધરાવતાં તમામ રીટેલ પેટ્રોલિયમ આઉટલેટ્સમાં વી.આર.એસ. મિકેનિઝમ લગાવવામાં આવી હોય. બીજા શબ્દોમાં કહીએ તો, સી.પી.સી.બી. તે સુનિશ્ચિત કરશે કે, એન.જી.ટી.ના વાદગ્રસ્ત હુકમના પરિચ્છેદ ૬૯( ) i અને ( ) ii માં સમાવિષ્ટ દિશાનિર્દેશો નું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે. તમામ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એ કાનૂની જવાબદારી રહેશે કે તેઓ સી.પી.સી.બી. દ્વારા સૂચિત નવી સમયમર્યાદાની અંદર વી.આર.એસ. મિકેનિઝમ લગાવવા સંબંધે એન.જી.ટી. દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું અનુપાલન સુનિશ્ચિત કરે. (બી) અમે એન.જી.ટી.ના વાદગ્રસ્ત હુકમના ફકરા નં. ૬૯( ) iii અને ( ) iv અન્વયે આપવામાં આવેલા નિર્દેશોને રદબાતલ કરીએ છીએ. તેના બદલે, અમે સીપીસીબીને તમામ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તેના તા.૦૭/૦૧/૨૦૨૦ના રોજના ઓફીસ મેમોરેન્ડમ અન્વયે આપવામાં આવેલ માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે અનુપાલન સુનિશ્ચિત કરવાની સૂચના આપવાનો નિર્દેશ આપીએ છીએ. સી.પી.સી.બી.ના તા.૦૭/૦૧/૨૦૨૦ના રોજના ઓફીસ મેમોરેન્ડમ અન્વયે આપવામાં Page No. 38/39 આવેલ માર્ગદર્શિકાઓમાંની કોઇપણ માર્ગદર્શિકાનો ભંગ થતાં, સંબંધિત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જવાબદાર આઉટલેટ વિરુદ્ધ, વહેલાંમાં વહેલી તકે, કાયદેસરના પગલાં લેવાના રહેશે. ૪૯. ઉપરોક્ત શરતોએ સંલગ્ન અપીલ્સનો પણ નિકાલ કરવામાં આવે છે. ૫૦. ખર્ચ અંગે કોઇ હુકમ નથી. ૫૧. જો કોઇ અરજી પડતર હોય તો, તેનો નિકાલ કરવામાં આવે છે..............................., ન્યાયમૂર્તિ (સુધાંશુ ધુલિયા).............................., ન્યાયમૂર્તિ (જે. બી. પારડીવાલા) નવી દિલ્હી ૧૪ માર્ચ, ૨૦૨૩ --------------------------------------: DISCLAIMER The translated judgment in vernacular language is meant for the restricted use of the litigant to understand it / in his her language and may not be used for any other., purpose For all practical and official purposes the English version of the judgment shall be authentic and shall hold the. field for the purpose of execution and implementation Page No. 39/39